રાજકોટના હાથસણીમાં મધ માટે ઈટાલિયન મધમાખી ઉછેરની ખેતી, 23 વર્ષના યુવકે 50 મધપેટીથી શરૂ કરેલા વ્યવસાયમાં વર્ષે 7 લાખથી વધુની કમાણી કરે છે

  • મધની ખેતી માટે યુવકને ગુજરાત અને રાજસ્થાન જેવા પ્રદેશમાં પણ જવું પડે છે
  • યુવક જુદાં જુદાં ફ્લેવરનું મધ ઉત્પાદિત કરી રિટેઇલિંગ અને હોલસેલના ભાવે વેચે છે

 

સામાન્ય રીતે લોકો વિવિધ શાકભાજી, ફળ કે પછી ફૂલોની ખેતી કરતા હોય છે, પણ આજે વાત કરવી છે ઇટાલિયન મધમાખીથી મધની મીઠી ખેતીની. હા, તમે બરાબર જ વાંચ્યું ઇટાલિયન મધમાખી ઉછેરથી મધની ખેતી. ખેતીમાં આવતાં ફૂલોને સંલગ્ન મધમાખીની ખેતી ઘણી જગ્યાએ થાય છે, પરંતુ રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકાના હાથસણી ગામમાં રહેતો 23 વર્ષીય યુવાન મધમાખીની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મધમાખીના વ્યવસાયને અપનાવનાર આ યુવાનનું નામ છે નિલેશ ગોહિલ. એક વર્ષ પહેલાં જ તેણે 50 મધમાખીની પેટીથી હની-બીની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આજે તેની પાસે મધમાખીની 200 પેટી છે. માત્ર એક જ વર્ષમાં નિલેશે આ બિઝનેસ એવો સેટ કર્યો છે કે એનાથી માસિક 50 હજારથી વધુ રૂપિયા નફો મેળવી રહ્યો છે.

વાર્ષિક 1800 કિલો મધનું ઉત્પાદન કરે છે
રાજકોટના આ યુવાને એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ છ મહિના સુધી મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ અને અંતે એક વર્ષ પહેલા પોતાનો મધનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. શરૂઆતમાં વોટ્સએપ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી રિટેઇલમાં મધ વેચવાનું શરૂ કર્યું. જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમના મધની ગુણવત્તાને કારણે ટૂંક સમયમાં જ તેના મધની માંગ વધવા લાગી. મધની માંગ વધતા ઉત્પાદનમાં વધારો કરવા તેણે ધીમે-ધીમે મધની પેટીમાં પણ વધારો કર્યો અને મહિનામાં 100 કિલોથી વધુ મધનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યુ. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મધ મંગાવતા હતા. તો વળી, ઘણી વખત વધુ ઉત્પાદન મળે ત્યારે કંપનીમાં પણ હોલસેલમાં મધ સપ્લાય કરતા હતા. આમ, નિલેશ વાર્ષિક 1800 કિલોથી પણ વધારે મધનું ઉત્પાદન કરે છે. જેમાંથી 7થી 8 લાખનું વાર્ષિક ટર્નઓવર મેળવે છે.

મહિને 150 કિલોનું મધ ઉત્પાદિત કરે છે
નિલેશ તેમની જર્ની વિશે જણાવે છે કે, ‘શરૂઆતના સમયગાળામાં વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા બિઝનેસનું પ્રમોશન કર્યું હતુ અને તેના દ્વારા જ ઓર્ડર લેવાની શરૂઆત કરી હતી. હવે આજે તે રિટેઇલિંગની સાથે સાથે કંપનીમાં પણ મધનો સપ્લાય કરું છું. સામાન્ય રીતે માસિક 150 કિલોથી વધારે મધનું ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે અજમો, વરિયાળી, બોર, ક્રિસ્ટલ(જામેલુ મધ), મલ્ટી અને રાયડો એમ છ પ્રકારના મધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં દેશી મધમાખીનો ઉછેર કરીને દેશી મધનું ઉત્પાદન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યો છું.’